બટર ચણા બનાવાની રીત !

બટર ચણા મારો મન ગમતો નાસ્તો વળી બનાવામાં પણ એટલો સહેલો કે મારી જેવા ઘણા રસોઈ કળાના નવ શીખ્યા ને વિદ્યાર્થી મિત્રો ખુબ ઓછા સમયમાં આ પોષ્ટિક નાસ્તો બનાવી શકે છે. બટર ચણા બનાવા માટે ચણા ને એક દિવસ પહેલા કે ૮/૯ કલાક પહેલા પાણી માં પલાળવાની પૂર્વ તૈયારી જરૂરી છે.

સામગ્રી: કાળા કાબુલી ચણા, બટેટા, ગાજર, બીટ, ટામેટા, શિમલા મિર્ચ, લીલા મરચા, કાંદા, કાચી કેરી, બટર, ચાટ મસાલો, મીઠું, લીંબુ.

સમય: પૂર્વ તૈયારી નો સમય – ૧૫/૨૦ મિનીટ      રાંધવાનો સમય- ૮/૧૦ મિનીટ.

રીત: સૌ પ્રથમ પહેલેથી  પલાળેલા ચણા ને બટેટા ને કુકર માં બાફવા મુકી દેવા ને ૩/૪ સીટી સુધી બટેટાને ચણા બફાય ત્યાં સુધી બીજી તૈયારી જોઈ લેવી. બીટ ને ગાજર ને ખમણીથી છીણી લેવા, શિમલા મિર્ચ, કાંદા, કાચી કેરી  ને ટામેટાના જીણા ટુકડા કરી લેવા, લીલા મરચા ના બારીક ટુકડા કાપી લેવા. બફાયેલા બટેટા ના થોડા મોટા (ડાઈસ પ્રકારના) ટુકડા કાપી લેવા. આમ બટર ચણા માટેની પૂર્વ તૈય્ર્રી પૂરી થઇ. હવે એક પેન કે થોડું ઊંડાણ ધરવતા પેન ને ગેસ પર  ધીમી આંચ પર મૂકી ને તેમાં ૧ ચમચી બટર મુકવું. જેવું બટર પીગળે તેવુજ તેમાં બાફેલા ચણા ( ૧ રેગ્યુલર વાટકીમાં સમાય તેટલા)  મૂકી દેવા ને તેમાં હલકે હાથે બટર સાથે મિક્ષ કરવા પણ ચણા તળવા કે શેકાવા ના મડે તેનું ધ્યાન રાખવું, ત્યારબાદ તેમાં મરચા ના જીણા ટુકડા  પોતપોતના તીખાસ ના સ્વાદ અનુસાર નાખવા. પછી બટેટા ના ટુકડા ને શિમલા મિર્ચ ના ટુકડા ઉમેરી દેવા, સ્વાદ અનુસાર ચાટ મસાલો ને મીઠું નાખી દેવું, મિશ્રણ ને સારી રીતે મિક્ષ કરવું. છેલ્લે ટામેટા, કાંદા ના ટુકડા ને બીટ ગાજર નું છીણ ઉમેરી દેવું, ખટાસ માટે ના સ્વાદ અનુસાર કાચી કેરી ના જીણા ટુકડા પણ ઉમેરી લેવા. બીટ ને ગાજરનિ છીણ ને લીધે મિશ્રણ નો રંગ ઘેરો ને તેમાંથી પાણી પણ છુટસે પણ પુરા મિશ્રણ ને પૂરી રીતે હલાવતા રેહવું ને બધી સામગ્રી નાખ્યા બાદ ૩/૪ મિનીટ ના સમય પછી ગેસ પર થી લઇ લેવું. જરૂર મુજબ ઉપરથી લીંબુ નો રસ નાખી ને ગરમા ગરમ પીરસવું. જલસો પડી જાશે તે નક્કી !

આ વાનગી માં કાળા ચણા ને બદલે સફેદ કાબુલી ચણાનો પણ ઉપયોગ કરી શકાય છે પણ તેમાં ગાજર ને બીટનિ છીણ ના નાખતા વધુ સરસ લાગશે! ખેર, કોઈ મીત્રો આ વાનગી સાથે બીજા પણ કોઈ પ્રકારના પ્રયોગ કરયા હોય તો જરૂરથી ગુલાલ કરે !

Advertisements

ઝિરા પુલાવ/રાઈસ -રાયતા ની રીત !

રાંધણ કળા નો પ્રયોગ – ૪ , ગયા રવિવારે ટીમ ઇન્ડિયા ની મેચ ની સાથે ઝિરા રાઈસ ને રાયતા નો પ્રોગ્રામ હીટ રહ્યો (ટીમ ઇન્ડિયા માટે પણ !!). આમ તો ઝિરા રાઈસ ને રાયતા ની રીત બહુજ સરળ ને જડપી છે. મારી જેમ રાંધણ કળા માં રસ ધરવતા મિત્રો માટે રીત મુકું છુ, આપે પણ કોઈ રાંધણ કળા નો પ્રયોગ કર્યો હોય તો જરૂર થી ‘ગુલાલ’ કરશો !

સામગ્રી : ચોખા, ઘી, આખું ઝિરુ, મીઠું, દહીં, ટામેટા , કાંદા, ઝીરાળું કે ચાટ મસાલો, વટાણા ( જો ગમતા હોય ને પુલાવ માં નાખવા હોય તો ).

સમય: પૂર્વ તૈયારી નો સમય : ૫~૧૦ મિનીટ  રાંધવાનો સમય : ૧૫~૨૦ મિનીટ

રીત: સૌ પ્રથમ રાયતા માટે તૈયારી કરશું. કાંદા ને ટામેટા ના બને તેટલા નાના ટુકડા કરી ને તેને દહીં માં નાખી દેશું. દહીં માં સ્વાદ અનુસાર મીઠું ને  ઝીરાળું કે ચાટ મસાલો નાખી ને બરાબર મિક્ષ કરી દેવું. દહીં માં થોડું પાણી નાખી ને મિશ્રણ ને થોડું પાતળું પણ કરવું પણ પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખવું કે સમય સાથે કાંદા ને ટામેટા માં થી પણ પાણી છુટસે તો રાયતું વધુ પડતું પાતળું થઇ શકે છે. રાયતા ને ફ્રીઝ માં ઠંડુ થવા મૂકી દેવું. હવે વારો ઝિરા રાઈસ નો, સૌ પ્રથમ એક પેન કે કોઈ પણ નોનસ્ટીક વાસણ માં થોડું ઘી લઇ તેને ગરમ કરી ને તેમાં આખું ઝીરું નાખવું , જેવું ઝીરું થોડું શેકાય કે તેમાં ચોખા ઉમેરી દેવા ને મિશ્રણ ને બરાબર મિક્ષ કરી લેવું , ગેસ ની આંચ ધીમી રાખવાની ના ભૂલવી. ત્યાર બાદ જો વટાણા નાખવ હોય તો તે નાખી ને પુરા મિશ્રણ માં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને  ( ચોખા ને પાણી નું પ્રમાણ ૧:૧.૫/૨  રાખસો તો પણ ચાલશે ) ને કુકર માં મૂકી ને રાંધવા મૂકી દેવું ને જો કોઈ વાસણ માં મુકવું હોય તોતે પણ ચાલશે તેમાં ચોખા ના દાણા વધુ છુટ્ટા થાશે. આમ કુકર કે વાસણ માં ૧૦~૧૨ મિનીટ માં ગરમા ગરમ ઝિરા રાઈસ તૈયાર! જે મિત્રો ને કઢી  સાથે રાઈસ ભાવતા હોય તે મારી આગળ ની પોસ્ટ માં થી કઢી ની રીત પ્રમાણે બનાવી તે રીતે પણ પીરસી શકે છે. ઝિરા રાઈસ , પાપડ , કેરી નું અથાણું , ને ઠંડા ઠંડા રાયતા સાથે પીરસો તો જલસો પડી જાશે તે નક્કી !

ઉપમા બનાવાની રીત !

હાલમાજ ઉપમા બનાવાનો પ્રયોગ  કર્યો ને ખુબ સફળ રહ્યો ! મારી જેવા રાંધણ કળા માં શરુઆત કરનારા મિત્રો માટે ઉપમા બનાવાની રીત આપી રહ્યો છુ.

સામગ્રી: બટેટા, ગાજર , વટાણા, ટામેટા, કાંદા, લીલા મરચા,રવો , ઉરદ દાળ ,મીઠું, રાઈ, જીરું, ઘી, લીંબુ, સેવ (જીણી),કોથમરી.

સમય:  પૂર્વ તૈયારી નો સમય  : ૨૦~૨૫ મિનીટ , રાંધવાનો સમય :૧૦ ~૧૫ મિનીટ

સૌ પ્રથમ પૂર્વ તૈયારી માં બટેટા ને  ગાજર ના નાના ટુકડા કાપી ને વટાણા સાથે કુકર માં ૧/૨ સીટી વગાડી બાફી લેવા કે કોઈ વાસાણ માં પાણી લઇ અર્ધ બાફી લેવા. ટામેટા ના પણ નાના ટુકડા કાપી રાખવા જે આપણે ઉપમા ની સાથે પીરસવા માં  કામ લાગશે. કાંદા ને  લીલા મરચા ના પણ ટુકડા (જીણા) તૈયાર રાખવા. રવા ને ધીમી આંચ પર રાખી ને શેકી નાખવો , રવા નો કલર હલકો સોનેરી કે કત્થાઇ કલર થાય ને તેમાંથી એક જાતની સુગંધ આવા લાગે ત્યારે તેને તૈયાર થયેલો સમજવો ને તેને અલગ રાખી દેવો.

ઉપમા ની રીત: સૌ પ્રથમ યોગ્ય વાસાણ માં થોડું ઘી લઇ ને હલકી આંચે ગરમ  કરી તેમાં રાઈ ને જીરું નાખવું ત્યાર બાદ તેમાં કાંદા ના જીણા ટુકડા નાખી ને સાંતળવા , જેવો કાંદા નો રંગ હલકો સોનેરી થાય કે તેમાં લીલા મરચા ના ટુકડા ને ઉરદ દાળ નાખી દેવી , ત્યાર બાદ તેમાં અર્ધ બાફેલા બટેટા , ગાજર ને વટાણા નાખી ને મિશ્રણ ને બરાબર થી હલાવું , ને થોડી વાર માટે રંધાવા દેવું , ત્યાર બાદ તેમાં શેકેલો રવો નાખવો ને તેમાં પાણી ઉમેરવું , રવા ને પાણી નું પ્રમાણ ૧:૨ નું રાખવું , સ્વાદ અનુસાર મીઠું નાખવું. એક મહત્વ નો મુદ્દો યાદ રાખવો કે રવા માં પાણી નાખ્યા બાદ આખા મિશ્રણ ને હલાવતું રેહવું નહિતર રવા ના ગટ્ટા થઇ જાશે. બસ થોડી વાર માં રવો બધું પાણી શોષી લેશે ને એકરસ ગરમા ગરમ ઉપમા તૈયાર ! હવે ઉપમા ને પીરસતી વખતે તેની ઉપર સ્વાદ અનુસાર થોડું લીંબુ નીચવી લો ને ઉપર ટામેટા ના જીણા ટુકડા મૂકી દો, ઉપર સેવ પણ પાથરો ને કોથમીર મૂકી ને   લીલી ચટણી કે મનપસંદ ચટણી સાથે ગરમા ગરમ પીરસો  , યાર -દોસ્તારો ખુશ થઇ જાશે તેની ગેરેનટ્ટી  !!!

મસાલા ખીચડી-કઢી ની રીત !

હોકી મેચ વખતે બનાવેલી મસલા ખીચડી કઢી ની રીત મારી જેવા રાંધણ કળા માં નવ-શીખ્યા તેમજ શોખીન મિત્રો માટે મુકું છુ. આપ કોઈ મિત્રો એ પણ રાંધણ કળા માં નવા પ્રયોગો કર્યા હોય તો જણાવશો !!!

સામગ્રી: ચોખા , મગ ની ફોતરા વાળી દાલ, ખાટ્ટી છાસ કે દહીં , ચણા નો લોટ , લીલા મરચા, લસણ ની કળીઓ, આદુ,  જીરું, મીઠું , હળદર , ગરમ મસાલો , રાઈ , ધાણા જીરું, ધાણા, લાલ મરચું, રીંગણા, બટેટા, ગાજર , વટાણા, ટામેટા, કાંદા, ઘી.

સમય:  પૂર્વ તૈયારી નો સમય  : ૨૦~૨૫ મિનીટ , રાંધવાનો સમય :૧૦ ~૧૫ મિનીટ

પહેલા મસાલા ખીચડી ની રીત : સૌ પ્રથમ જીણા કાંદા, લીલા મરચા, લસણ, આદુ ને ટામેટા ના જીણા ટુકડા કાપી લો. ત્યાર બાદ રીંગણા, બટેટા, ગાજર ના થોડા મોટા ટુકડા કાપી ને તૈયાર રાખો. ચોખા ને મગ ની ફોતરા વાળી દાલ નું ૬૦-૪૦ % ના પ્રમાણ માં મિશ્રણ કરવું ને ધોઈ ને તૈયાર રાખવું. હવે જે વાસણ કે કુકર માં ખીચડી બનાવાની હોય તેમાં વઘાર માટે નું થોડું ઘી લઇ ને ધીમી આંચ પર મૂકી દેવું. કુકર માં બનાવું વધુ સરળ છે , કેમકે બધી વસ્તુ ને સીધું એમાં નાખી ને ખીચડી ચડાવા મૂકી શકાય. હવે ઘી માં રાઈ ને ધાણા જીરું નાખી ત્યાર બાદ કાંદા નાખી ને થોડા સાંતળો , જેવો રંગ થોડો પીળાશ પડતો થાય કે લસણ, આદુ , ને લીલા મરચા ના ટુકડા નાખી દેવા. થોડી વાર બાદ તેમાં ગરમ મસાલો , હળદર , જીરું ને સ્વાદ અનુસાર મીઠું નાખી ને થોડા સમય સુધી સાંતળો.  ત્યાર બાદ તેમાં ટામેટા ના ટુકડા નાખી ને થોડા સમય માટે પકવા દેવું. ને બાકી બધા શાક ના ટુકડા ની સાથે  વટાણા નાખી દેવા , ને આખા મિશ્રણ ને બરાબર હલાવી ને થોડી વાર ધીમી આંચ પર પકવા દેવું ને છેલ્લે તેમાં ચોખા -દાલ નું મિશ્રણ નાખી ને બરાબર હલાવી ને સીજવા માટે જરૂરી પાણી નાખી ને કુકર ને બંધ કરી પુરા મિશ્રણ ને ચડવા મૂકી દેવું , ૨~૩ સીટી સુધી પાકવા દેવું. ત્યાર બાદ કુકર ખોલશો તો ગરમા ગરમ સ્વાદિસ્ત મસાલા ખીચડી તૈયાર !!! ખીચડી ને પીરસ તા પેહલા બરાબર હલાવી લેવી !!

કઢી ની રીત: જો ખાટ્ટી છાસ ના હોય તો સાદા દહીં ની છાસ બનવી લેવી ને ને તેમાં થોડો ચણા નો લોટ નાખી ને ને તેને બરાબર ફેરવી ને એક રસ કરી દેવો. ત્યાર બાદ જે વાસણ માં કઢી બનાવી હોય તેમાં થોડું ઘી લઇ ને ધીમી આંચ પર મુકવું, ત્યાર બાદ તેમાં , ધાણા , રાઈ , લસણ , આદુ , ને લીલા મરચા વગરે નાખી ને સાંતળો ને જરૂર પુરતું મીઠું , હળદર , ને થોડું લાલ મરચું નાખવું , ને તેમાં છાસ-ચણા ના લોટ નું મિશ્રણનાખી દેવું ને બરબેર થી ફેરવી ને તેને ઉકાળ વા માટે મુકવું. ૧૦ ~૧૨ મિનીટ માં તો ગરમા ગરમ કઢી પણ તૈયાર !!!

બસ તો મિત્રો ગરમા ગરમ મસાલા ખીચડી ને કઢી સાથે અથાણું ને પાપડ પીરસો , ટેસડો પડી જાશે તે ચોકસ છે !!

બ્રેડ પિત્ઝા-મારી રાંધણ કળા ની શરૂઆત !!

કાલે ૨૬ મી January ની રજા હોય અમે કેટલાક મિત્રો એ એક મિત્ર ના ઘરે ઘરના બીજા કોઈ સભ્યો હાજર ના હોવાથી  ઇન્ડિયા-બાંગ્લાદેશ ના છેલા સેસન માટે  મળવાનું નક્કી કર્યું , ને મેચ માં મજા આવી ગયી , બાંગ્લાદેશી બેટ્સમનો આ વખતે સરસ લડત આપી, ખેર મેચ ની વાત બીજી કોઈ પોસ્ટ માં.

મેચ પત્યા બાદ અમે સૌ મિત્રો પેટ પૂજા માટે કઈ વિચારી રહ્યા તા ને ખબર  નહિ પણ કેમ અચાનક મેં મિત્રો સાથે ઘરેજ કઈ ગરમા ગરમ નાસ્તો બનાવી દેવાની વાત કરી ને મિત્રો પણ તેની માટે તૈયાર થઇ ગયા , ને બંદા એ નાસ્તો બનવાની જવાબદારી  લઇ લીધી. કેટલક સમય પેલ્લા મમ્મી ને બ્રેડ પિત્ઝા બનવતા જોયેલા એટલે  આપડે પણ નક્કી કરું કે આપડી  રાંધણ કળા ની શરૂઆત પણ આનાથીજ  કરવી. ને ખરે ખરે પહેલા પ્રયોગ માજ  આપડો રોલો પડી ગયો , બ્રેડ પિત્ઝા સ્વાદીસ્ત તો બન્યા પણ દેખાવ માં પણ જોરદાર બન્યા, બધા મિત્રો ની ખુબ બધી સાબાશી તો મળી સાથે સાથે બંદા નો આત્મવિશ્વાસ પણ વધ્યો. ને પેહેલા પ્રયોગ પછી લાગ્યું કે આપડે રાંધણ કળા માં પણ હાથ અજમાંવાની જરૂર છે. ને હવે અમે બધા મિત્રો એ નક્કી કરું છે કે જયારે જયારે આવો કોઈ મોકો મળે તો જાતેજ કાઈ બનાવી ને ખાશું.

બ્લોગ જગત ના જે મિત્રો મારી જેમ રાંધણ કળા ની શરૂઆત કરવા માંગતા હોય કે જેમને રસ હોય તેમની માટે મેં બનવેલા બ્રેડ પિત્ઝા ની રીત અહી લખું છુ. સાથે મારા મિત્ર એ લીધેલો તૈયાર કરેલા પિત્ઝા નો ફોટો પણ મુકું છુ.

બ્રેડ પિત્ઝા ની રીત

સામગ્રી: બ્રેડ નું પેકેટ , કાંદા, સીમલા મિર્ચ , ટામેટા , ચીઝ , ઓલીવ , સ્પેગતી સોસ , ફુદીના-કોથમીર ની લીલી તીખી ચટણી , ચાટ મસાલો, અજમો ,  તેલ ને સ્વાદ અનુસાર મીઠું.

સમય : પૂર્વ તૈયારી નો સમય : ૨૫ મિનીટ , ને રાંધવાનો સમય : ૫ મિનીટ

આખી રીત બે ભાગ માં વેહ્ચ્યેલી છે , પેલ્લા પિત્ઝા માટે ની ગ્રેવી ને પછી પિત્ઝા બનાવો

ગ્રેવી બનવા માટે સૌ પ્રથમ કાંદા , ટામેટા ને સીમલા મિર્ચ ના બને તેટલા જીણા જીણા ટુકડા કરી લેવા , ત્યાર બાદ પેન કે કદાઈ માં થોડું તેલ લઇ ને અજમો મુકવો ને થોડી વાર પછી તેમાં કાંદા ના જીણા ટુકડા સાંતળવા મુકવા ને થોડા પીળાશ પડતા થાય કે તેમાં ટામેટા ના જીણા ટુકડા નાખી દેવા ને થોડા સમય પછી સીમલા મિર્ચ  ના જીણા ટુકડા નાખવા ને થોડું મીઠું, ને જયારે ગ્રેવી માં થી પાણી ઉડી જાય ને સુકું થઇ જાય ત્યારે ગ્રેવી તૈયાર સમજવી , ને આખી પ્રક્રિયા દરમ્યાન ગેસ ની આંચ ધીમી રાખવી, આમ આપડો મહત્વનો નો રીત નો  પેહલા ભાગ પત્યો

હવે બીજા ભાગ માં આપડે બ્રેડ પિત્ઝા તૈયાર કરશું , માટે સૌ પ્રથમ બ્રેડ લઇ તેના પર  સ્પેગતી  સોસ (જે  બજાર માં રેડ્ડી મળે છે તે ) નું હલ્કું એક લેયર પાથરવું ને તેના પર આપડી તૈયાર કરેલી ગ્રેવી પાથરવી ને તેની ઉપર ચીઝ પાથરવું ત્યાર બાદ ટામેટા ને સીમલા મિર્ચ ના મોટા ટુકડા જે દેખાવ માટે મુકવાના છે તે રાખવા ને તેવીજ રીતે ઓલીવ ના ટુકડા મુકવા ( ઘરે જે પ્રમાણે સામગ્રી હોય તે રીતે તમે પોતાનો દેખાવ માટે ની વસ્તુ પસંદ કરી શકો છો ) હવે આ બ્રેડ ને  કોઈ નોન સ્ટીક  પેન માં મૂકી ને તેની ઉપર કોઈ ઢાકનુંકે  આડાશ મૂકી ને ધીમી આંચ પર ગેસ પર ગરમ કરવા મુકવું ને ૩/૪ મિનીટ બાદ લઇ લેવું ને તેની પર થોડો ચાટ મસાલો સ્વાદ અનુસ્વાર નાખી ને બહાર કાઢી લેવો ને ગરમા ગરમ બ્રેડ પિત્ઝા તૈયાર. આવીજ રીતે બીજા રીતના પિત્ઝા  માટે મેં  સ્પેગતી સોસ ની જગ્યાએ ફુદીના-કોથમીર ની લીલી તીખી ચટણી નું બેઝ બનાવી ને ઉપર ની રીત પ્રમાણે જ  નવા સ્વાદ નો પિત્ઝા બનાવ્યો , આમ કુલ બે જાત ના બ્રેડ પિત્ઝા તૈયાર કર્યા ( આવીજ રીતે તમે લસણ ની ચટણી પણ બેઝ તરીકે ઉપયોગ કરી શકો છો , કે બીજા કઈ પણ અલગ અલગ પ્રયોગ કરી શકો છો , આવો કોઈ નવતર પ્રયોગ કર્યો હોય તો જરૂરથી મિત્રો જણાવજો ).

બેવ જાત ના બ્રેડ પિત્ઝા નો ફોટો તમે અહીં જોઈ શકો છો .

(ફોટો-સિદ્ધાર્થ )

બોના પતીતે !!!